રાષ્ટ્રિય એકતા અને અખંડિતતા
આપણા દેશના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વસતા લોકોના પહેરવેશ, ધર્મ, ભાષા, રીતરિવાજો વગેરેમાં જરૂર ભિન્નતા પ્રવર્તે છે. આમ છતાં સમગ્ર ભારત એક છે અને આપણે બધાં ભારતમાતાનાં સંતાનો છીએ એ ભાવના આપણા મનની મુખ્ય સંવેદના બની રહી છે. પરદેશી હુમલાઓ થવા છતાં ભારતની સામાજિક, સાંસ્કૃતિક અને ભાવાત્મક એકતા કાયમ ટકી રહી છે.
પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી રાષ્ટ્રિય એકતાની ભાવનામાં ઓટ આવી હોય એમ લાગે છે. ભાષાના પ્રશ્ન આપણે ઘણી વાર સંકુચિત પ્રાંતવાદમાં તણાઈ જઈએ છીએ. રાજ્યોની સીમા, નદીઓનાં પાણી, ધર્મ કે કોમને નામે થતા વિખવાદો અને અલગ રાજ્યોની માગણીઓ રાષ્ટ્રિય એકતા અને અખંડિતતાને શિથિલ બનાવી રહ્યાં છે, પરિણામે દેશના વિકાસ પર વિઘાતક અસર થઈ રહી છે. વિદેશી પરિબળો પણ આપણા દેશની અખંડિતતાને હાનિ પહોંચાડવા માટે પરોક્ષ રીતે પ્રયત્નો કર્યા જ કરે છે.
ચીન અને પાકિસ્તાને આપણા દેશ પર આક્રમણો કર્યા ત્યારે આખા દેશમાં રાષ્ટ્રભાવનાનું પ્રચંડ મોજું ફરી વળ્યું હતું. પ્રાંત, પ્રદેશ, કોમ અને ધર્મના ભેદભાવો ! ભૂલીને આપણે અદ્ભુત સંગઠન દાખવી શક્યા હતા. ઈ. સ. 1999-2000ના વર્ષ દરમિયાન કારગીલ અને દ્રાસ સેક્ટરમાં ઘૂસી આવેલા પાકિસ્તાની ઘૂસણખોરો સામેના જંગ વખતે પણ સમગ્ર દેશમાં અભૂતપૂર્વ રાષ્ટ્રિય એકતા અને દેશભક્તિનું પૂર ઊમટ્યું હતું. યુદ્ધકાળ દરમિયાન જોવા મળતી રાષ્ટ્રિય એકતા અને અખંડિતતાની પવિત્ર ભાવના શાંતિકાળમાં કેવી રીતે ઓસરી જાય છે, તે જ સમજાતું નથી. શું બહારના આક્રમણ 2 સિવાયના સમયમાં આપણે એક ન રહી શકીએ ? રાજ્યો અને જિલ્લાઓની રચના કેવળ વહીવટી સરળતાની દષ્ટિએ જ કરવામાં આવી છે, તે ક્યારેય ભુલાવું ન જોઈએ. હું પ્રથમ એક ભારતીય છું, ભારત મારી માતા છે અને તમામ દેશવાસીઓ મારાં ભાઈ-બહેન છે, એ ભાવના દરેક નાગરિકના હૃદયમાં કોતરાઈ જવી જોઈએ.
વિદ્યાર્થીઓના માનસમાં રાષ્ટ્રિય ભાવનાનું સિંચન કરીશું તો રાષ્ટ્રિય એકતાનો પાયો સંગીન થશે. શિક્ષણસંસ્થાઓ એમાં નોંધપાત્ર યોગદાન આપી શકે. તે યુવકમહોત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રિય પર્વોની ઉજવણી જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના ખીલવવામાં મહત્ત્વનો ફાળો આપી શકે. રેડિયો, દૂરદર્શન તેમજ ફિલ્મનિર્માતાઓએ આ બાબતમાં નોંધપાત્ર ફાળો આપવો જોઈએ. રાષ્ટ્રિય એકતાની ભાવનાને પોષક નીવડે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાહિત્યને પૂરેપૂરું ઉત્તેજન આપવું જોઈએ. ભિન્ન ભિન્ન ભાષાઓ, ધર્મો અને જ્ઞાતિઓના લોકો એક સૂત્રે ગૂંથાઈને રાષ્ટ્રિય એકતા સિદ્ધ કરે એ માટે આપણે પ્રામાણિક પ્રયત્નો કરવા પડશે.
જગતના તમામ પ્રગતિશીલ રાષ્ટ્રો સાથે કદમ મિલાવવા માટે આપણે સંગઠિત થવું જરૂરી છે. ભારતની જાહોજલાલી વધે અને તે વિકસિત રાષ્ટ્ર બને એ માટે આપણી રાષ્ટ્રિય એકતાનું કોઈ પણ ભોગે જતન કરવું પડશે.