Ad

મારા પ્રિય કવિ | મારા પ્રિય સાહિત્યકાર | ગુજરાતી નિબંધ

  મારા પ્રિય કવિ અથવા મારા પ્રિય સાહિત્યકાર


નરસિંહ મહેતા, મીરાંબાઈ અને દયારામથી માંડીને વિનોદ જોશી, અનિલ જોશી અને રમેશ પારેખ જેવા અર્વાચીન કવિઓની ઉચ્ચ કોટિની કાવ્યકૃતિઓથી ગુજરાતી કાવ્યસાહિત્ય અત્યંત સમૃદ્ધ બન્યું છે.


આ બધા કવિઓએ ગુજરાતી સાહિત્યને યશસ્વી બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે, પરંતુ આ સૌમાં મારા પ્રિય કવિ ઝવેરચંદ મેઘાણી છે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલા (સૌરાષ્ટ્ર) મુકામે 17–8–1896ના રોજ થયો હતો અને 9-3-1947ના રોજ ફક્ત 50 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું હતું.


ઝવેરચંદ મેઘાણીનું સાહિત્યસર્જન વિપુલ અને વૈવિધ્યસભર છે. તેમણે લોકકથાઓ, દુહા, ગીતો, સૌરાષ્ટ્રની લોકકથાઓ વગેરે વિવિધ સાહિત્યપ્રકારોનું ખેડાણ કર્યું છે. તેમણે પોતાની રસિક શૈલીમાં આપણને માનવહૃદયની ભાવનાઓના ઊંડાણનો સ્પર્શ કરાવ્યો છે.

એમના સર્જનમાંથી શીલ, શૌર્ય અને ખમીરથી ભરેલું સાહિત્ય ગુજરાતની પ્રજાને મળ્યું છે. સૌરાષ્ટ્રની રસધાર (ભાગ 1થી 5)ને ગુજરાતમાં અદ્ભુત આવકાર મળ્યો. પછી તો એમના લેખનની સરવાણી વણથંભી વહેતી રહી. સોરઠી બહારવટિયા ભાગ 1થી 3, સોરઠ તારાં વહેતાં પાણી, વસુંધરાનાં વહાલાં દવલાં, તુલસી ક્યારો, વેવિશાળ, પ્રભુ પધાર્યા, કુરબાનીની કથાઓ, જેલ ઑફિસની બારી, માણસાઈના દીવા, રાણો પ્રતાપ, રઢિયાળી રાત ભાગ 1 થી 4, યુગવંદના અને રવીન્દ્ર-વીણા જેવાં ચિરંજીવી પુસ્તકો એમની પ્રાણવાન કલમે લખાયાં અને વાચકો તરફથી પ્રશંસા પામ્યાં.


મેઘાણી આવેગ અને સંવેદનાના જીવ હતા. આ ગુણોને પરિણામે જ આપણને તેમની પાસેથી સિંધુડાં, કોઈકનો લાડકવાયો, છેલ્લો કટોરો વગેરે અદ્ભુત અને અમર કાવ્યરચનાઓ મળી છે.


મેઘાણી વ્યવસાય અર્થે કોલકાતા ગયા હતા. કોલકાતામાં રહ્યા તે દરમિયાન તેમણે રવીન્દ્રનાથ ટાગોરનાં ઘણાં કાવ્યોનાં ગુજરાતીમાં અનુવાદ કે અનુસર્જન કર્યા. આ કાવ્યોનો સંગ્રહ તે રવીન્દ્ર-વીણા. જે અનુવાદ-રૂપાંતર કરવાની એમની આગવી શક્તિનો બોલતો પુરાવો છે.


મેઘાણીએ કાવ્યો ઉપરાંત રાણા પ્રતાપ, શાહજહાં વગેરે જેવાં સુંદર નાટકો પણ આપ્યાં છે.


સાહિત્યસર્જનની સાથોસાથ મેઘાણી રાષ્ટ્રિય ચળવળમાં જોડાયા હતા. અંગ્રેજ સરકારે એમની ધરપકડ કરી. મેઘાણી પર આરોપનામું ઘડીને ખટલો ચલાવવામાં આવ્યો. અદાલતમાં ન્યાયાધીશની રજા લઈ મેઘાણીએ લાખો દેશવાસીઓના હૃદયની ભાવનાઓને વાચા આપતું એક ગીત રજૂ કર્યું


હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,

 ઓ મરેલાનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ, સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ! 

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, 

જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે ?” 

આ ગીત સાંભળી અદાલતમાં હાજર રહેલા સૌની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. ન્યાયાધીશની આંખો પણ ભીની થઈ ગઈ. આવા મહાન દેશભક્ત હતા ઝવેરચંદ મેઘાણી.

મેઘાણીના કાવ્યસાહિત્યમાં જોમ અને જુસ્સો છે. તેથી જ ગાંધીજીએ મેઘાણીને ‘રાષ્ટ્રિય શાયર'નું બિરુદ આપ્યું હતું. આવા ઝવેરચંદ મેઘાણી મારા પ્રિય કવિ હોય તો એમાં શી નવાઈ ?

Post a Comment

0 Comments