મારા શૈશવનાં સંસ્મરણો
અથવા ફરી બનવા ચહું હું, પ્રભુ! બાળ નાનું
‘‘જીવન ખોયું પરંતુ ક્યાં જીવન ખોયું નથી જાણ્યું, દીવાનાએ જીવન સામે કદી જોયું નથી જાણ્યું.”
- અમૃત ઘાયલ
હું મારા શૈશવને યાદ કરું છું ત્યારે સંસ્કૃત ભાષાના મહાન નાટ્યકાર ભવભૂતિની આ પ્રસિદ્ધ પંક્તિ મને અનાયાસે યાદ આવી જાય છે તે દિ નો વિસા તા: (એ દિવસો તો હવે સદાને માટે ગયા જ ) કિશોરાવસ્થામાં પ્રવેશતાંની સાથે જ શૈશવ સદાયને માટે વિદાય થઈ જાય છે, તે કદાપિ પાછું ફરતું નથી. હવે તો જીવનના એ સોનેરી દિવસોને સંસ્મરણો રૂપે જ વાગોળવાનાં રહે છે !
હું લગભગ ત્રણ વર્ષનો હતો, એ દિવસોનાં સ્મરણો હજુ મારા મનમાં સચવાઈ રહ્યાં છે. કેવા મજાના હતા એ દિવસો ! મને ક્યારે ભૂખ અને તરસ લાગે છે, તેની દરકાર મારી માતા જ રાખતી. તે મને જમાડવા માટે ઘણી વાર જમવાની થાળી લઈને મારી પાછળ પાછળ આખા ઘરમાં દોડાદોડ કરી થાકી જતી, ત્યારે મારું ભોજન માંડ પૂરું થતું ! માતાની નિબંધ મમતા, પિતાનું અગાધ વહાલ અને દાદા-દાદીનું ઉત્કટ વાત્સલ્ય નાના શિશુ પર સતત વરસતું રહે છે. એ જ શૈશવકાળનો અમૂલ્ય લહાવો છે.
મારા એ દિવસો કેવા આનંદ-ઉલ્લાસથી ભરેલા હતા ! રોજ સવારે હું નિરાંતે ઊઠતો. આખો દિવસ હું મારા બાળગોઠિયાઓ સાથે જાતજાતની રમતોમાં મશગૂલ રહેતો. એમાંથી કોઈ પોતાનું રમકડું મને ન આપે તો એને મારતો અને તેનું રમકડું ઝૂંટવી લેતો. પરંતુ થોડી જ વારમાં, જાણે કંઈ જ બન્યું ન હોય તેમ, ફરી બધા મિત્રો એકબીજાની સાથે રમવા લાગતા. શૈશવની એ નિર્દોષ, નિખાલસ અને સરળ સૃષ્ટિમાં પાછા ફરવા હું અંતરના ઊંડાણથી ઝંખી રહ્યો છું : “ફરી બનવા ચહું હું, પ્રભુ ! બાળ નાનું.” પરંતુ કાળના ચક્રને કોણ ઉલટાવી શકે ?
સમયની સાથે સાથે હું પણ મોટો થતો ગયો. એક શુભ દિવસે મને બાળમંદિરમાં દાખલ કરવામાં આવ્યો. એ દિવસે પહેલી વાર મારા ભારે વિરોધ અને રડારોળ સામે ઘરના કોઈ પણ સભ્ય નમતું જોખ્યું નહિ. હું એક જ જગ્યાએ બેસી રહેવા ટેવાયેલો નહોતો. પરંતુ રોજ ચાર-ચાર કલાક સુધી બાળમંદિરની દીવાલો વચ્ચે પુરાઈ રહેવાની મને ફરજ પડી. શિસ્તપાલનની આ નવી જીવનચર્યામાં ગોઠવાતાં મને ઠીક ઠીક વાર લાગી હતી.
. બાળમંદિર પછીનું મારું શાળાજીવન અનેક સુખદ સંસ્મરણોથી ભરેલું છે. શાળામાં મને ઘણા સારા મિત્રો મળ્યા હતા. વર્ગમાં પ્રથમ આવવા બદલ લગભગ દર વર્ષે મને પ્રથમ ઇનામ મળતું. રમતગમતોની અનેક હરીફાઈઓમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મેં શાળાજીવનની શરૂઆતથી જ ભાગ લેવાનું શરૂ કર્યું હતું. એમાં મેં ઘણા ચંદ્રકો પણ મેળવ્યા હતા. મારી નમ્રતા અને તેજસ્વિતાને કારણે હું હંમેશાં મારા આચાર્યશ્રીનો અને સર્વ શિક્ષકોનો સ્નેહ પામ્યો હતો.
મારું શેશવ તો મને હવે પાછું મળવાનું નથી, પરંતુ શૈશવનાં આ સંસ્મરણો મારા મનમાં શિલાલેખની જેમ અંકિત થઈ ગયાં છે. બાળપણની આ મહામૂલી યાદો જીવનના અંત સુધી મારા હૃદયમાં સચવાઈ રહેશે.
નાનાં નાનાં ભૂલકાંઓને જોઈને ઘણી વાર મને પણ મારું બાળપણ યાદ આવી .જાય છે