નારી તું નારાયણી
નારી ખરેખર નારાયણી છે. એની સમર્પણભાવના વિશ્વમાં અજોડ છે
. મહાકવિ વાલ્મીકિએ સીતા જેવા પ્રેરક પાત્રનું સર્જન કર્યું. તેમણે ત્યાગ અને સહનશીલતાની મૂર્તિ સમી લક્ષ્મણની પત્ની ઊર્મિલાનું પાત્ર સર્યું. મહાભારતકાર વ્યાસે દ્રૌપદીના પાત્ર દ્વારા નારીધર્મનો મહાન આદર્શ રજૂ કર્યો.
અર્વાચીન સાહિત્યકારોએ પણ માનવીના જીવનમાં નારીના ગૌરવભર્યા અને મહત્ત્વપૂર્ણ સ્થાનને ઊમળકાભેર બિરદાવ્યું છે. નારીશક્તિ સભ્યતા અને સંસ્કૃતિનો સ્રોત છે. સમાજ અને દેશના નવનિર્માણમાં તેનો હિસ્સો ઘણો મોટો છે. આજે પ્રત્યેક ક્ષેત્રમાં નારીએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજકારણ, વિજ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રે સ્ત્રીઓ મહત્ત્વપૂર્ણ ફાળો આપી રહી છે.
નારીનું જીવન સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે. ભારતીય નારીએ પતિ અને કુટુંબની સેવાને પોતાનો ધર્મ ગણ્યો છે. કુટુંબ, સમાજ કે દેશના હિત ખાતર ધૂપસળીની જેમ જલી જઈને સુવાસ ફેલાવવામાં તેણે ગૌરવ અનુભવ્યું છે. જીવતરનાં ઝેર તેણે જાણી જાણીને પીધાં છે. ભારતની નારીએ પોતાના હક ખાતર ક્યારેય બંડ કે ક્રાંતિ કરી નથી. એણે પોતાના અધિકારોની પરવા કર્યા વિના પોતાની ફરજો ઉત્તમ રીતે બજાવી છે. નારી પોતાનો સંપૂર્ણ સ્નેહ કુટુંબને સમર્પી દે છે. માટે જ નારી એ ‘નારાયણી” છે.
આજની નારી વિનમ્ર, વિવેકી અને ઉદારમના છે. એ અબળા નથી, પણ સાક્ષાત્ શક્તિસ્વરૂપા છે. કુટુંબના હિતમાં જીવનનું સમર્પણ કરતી નારી સમય આવ્યે રણચંડી પણ બની શકે છે. ભૂતકાળમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, અહલ્યાબાઈ હોલકર વગેરે વીરાંગનાઓએ ભારતને ગૌરવ અપાવ્યું હતું. મૅડમ ક્યૂરી, ફ્લોરેન્સ નાઇટિંગલ અને મધર ટેરેસા જેવી મહાન નારીઓનાં જીવન નારીમાં રહેલી મહાશક્તિની પ્રતીતિ કરાવે છે.
આધુનિક ભારતની નારી પર પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર પડી છે. પુરુષસમોવડી બનવાના ઉત્સાહમાં તે પોતાના ઘરના ચોકઠામાંથી બહાર નીકળી છે. આજે ભારતીય નારીએ સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને વ્યાવસાયિક, એમ દરેક ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ સાધી છે. આમ છતાં, ભારતીય નારીએ પોતાની ઉચ્ચ સંસ્કારિતા જાળવી રાખી છે. ભવિષ્યમાં પણ ભારતીય નારી પોતાનાં ગૌરવ તથા આત્મસન્માનને ટકાવી રાખે અને જગતની નારીઓને ઉચ્ચ સંસ્કારિતાની પ્રેરણા આપે એ ઇચ્છવાયોગ્ય છે.
આદર્શ નારીનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. કુટુંબમાં તે કેન્દ્રસ્થાને છે. જ્યાં પુરુષને શિરે કુટુંબની આર્થિક જવાબદારી હોય છે ત્યાં કુળની મર્યાદા અને ઘરના વ્યવહારો સાચવવાની જવાબદારી નારી નિભાવે છે. આદર્શ કુળવધૂ, પતિવ્રતા પત્ની અને વાત્સલ્યમયી માતા તરીકે નારી સંસારની વ્યવસ્થામાં પાયાનું યોગદાન આપે છે. આવી નારીને પ્રાચીનકાળની આ ઉક્તિ યથાર્થ રીતે લાગુ પાડી શકાય છે : “યત્ર નાર્યસ્તુ પૂખ્યો રમત્તે તત્ર વૈતા: ' અર્થાત્ જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવોનો વાસ હોય છે.