1. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનની ઊજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો .
દેશની પ્રજાને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે આપણા દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીની જન્મ જયંતિના દિવસે સ્વચ્છ ભારત અભિયાનની ઘોષણા કરી હતી જેને સૌ ભારતવાસીઓએ વધાવી લીધી હતી . અમારી શાળા પણ દર વર્ષે આ અભિયાનમાં જોડાય છે . ગઈકાલે અમારી શાળાના શિક્ષકોની રાહબરી હેઠળ અમો જુદી જુદી ટીમોમાં વહેંચાઈને શાળા અને ગ્રામ્ય સફાઈના કાર્યક્રમમાં સામેલ થયા હતા . સવારે ૦૭-૦૦ કલાકે શાળાના આચાર્યશ્રીએ સૌ પ્રથમ સાવરણી હાથમાં લઈને શાળાના મેદાનની સફાઈ કરીને સ્વચ્છતા અભિયાનની શરુઆત કરી .
ત્યારબાદ અમારી ટીમો પોતપોતાના કામે લાગી ગઈ હતી અમુક ટીમોએ શાળામાં રહીને શાળાના ઓરડા , સંડાસ - બાથરૂમ , શાળાની દિવાલો અને મેદાનની સાફ સફાઈનું કાર્ય કર્યું , તો અમુક ટીમોએ ગામમાં જઈને ગામના રસ્તા પાણીના હવાડા , જાહેરસ્થળૉની સાફ સફાઈ કરી . ગામલોકોએ પણ આ કામમાં મદદ કરી અને આ પ્રવૃતિઓને વખાણી . સાફ - સફાઈનું કાર્ય પુર્ણ થયા બાદ સૌ હાથ - પગ ધોઈને શાળાના સભાખંડમાં એકઠાં થયાં હતા . આચાર્યશ્રીએ અમારી કામગીરીને ખૂબજ વખાણી અને જીવનમાં સ્વચ્છતાના મહત્વ વિશે સુંદર જાણકારી આપી ત્યારબાદ દરેકને સ્વચ્છતા જાળવવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવી . અંતે ભોજન લઈને સૌ છુટા પડ્યા . આમ , વહેલી સવારથી શરુ થયેલ આ યાદગાર કાર્યક્રમ મોડી સાંજ સુધી ચાલ્યો .
2. તમારી શાળામાં યોજાયેલ શિક્ષણદિનની ઊજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો .
ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ` શિક્ષકદિન તરીકે ઉજવાય છે . તેઓ શિક્ષકથી આગળ વધીને આપણા દેશના રાષ્ટ્રપતિપદ સુધી પહોંચ્યા હતા . ગઈકાલે અમારી શાળામાં ` શિક્ષકદિન ની શાનદાર ઉજવણી કરવામાં આવી . શાળાના પ્રાર્થાનખંડમાં આવેલ મંચ પર ફૂલહારથી સુશોભિત ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણનની છબી મૂકવામાં આવી હતી . કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાગાનથી કરવામાં આવી પછી શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમના મુખ્ય મહેમાનનો પરિચય આપ્યો અને ફુલહાર વડે તેનું સ્વાગત કર્યું . અમારા વર્ગશિક્ષકશ્રીએ શિક્ષકદિવસનું મહત્વ સમજાવ્યું .ત્યારબાદ તમામ વર્ગોના પ્રતિનિધિઓએ શાળાના સૌ શિક્ષકોનું ગુલાબના ફુલો વડે સ્વાગત કર્યું . બે વિદ્યાર્થીઓએ ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનના યાદગાર પ્રસંગો વિશે માહિતી આપી . છેલ્લે કાર્યક્રમનાં મુખ્યમહેમાનશ્રીએ દેશનાં ઘડતરમાં શિક્ષકોનો ફાળૉ એ વિષય પર સુંદર પ્રવચન આપ્યું . અમારા વર્ગશિક્ષકશ્રીએ તેમના મધુર અવાજમાં એક સરસ મજાનું ગીત રજુ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું .